મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (Jito)નો ઈન્સ્ટોલેશન સેરેમની યોજાયો
અમદાવાદમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત ઇન્સ્ટોલેશન સેરેમનીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં તમામ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના જાગી છે. મેરી માટી મેરા દેશ અને આઝાદી કા અમૃત મહોત્સવ જેવા આયોજનોથી સહુ નાગરિકોમાં ભારતીય હોવાનું ગૌરવ વધ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @2047 માટે ગુજરાત લીડ લેશે તેવો નીર્ધાર પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
વિશ્વભરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત સન્માનનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અમેરિકા જેવા વિકસિત દેશોમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીનું થતું સન્માન કરોડો દેશવાસીઓનું સન્માન છે. શ્રી નરેન્દ્રભાઈની પ્રામાણિક નીતિ-રીતિને કારણે આજે વિશ્વના લોકોનું ભારત અને ભારતીયો પ્રત્યેનું વલણ બદલાયું છે. પહેલાની સરખામણીએ આજે ભારતના પાસપોર્ટનું મૂલ્ય પણ વધ્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માળખાકીય સુવિધાઓથી માંડીને તમામ ક્ષેત્રોમાં આવેલા પરિવર્તન અને વિકાસ આપણને સૌને અનુભવાય છે. સમાજમાં એકતા અને ઉન્નતી માટે સૌએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ. તેવું આહવાન કરતા તેમણે કહ્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસ, સહુનો વિશ્વાસ અને સહુનો પ્રયાસની વિભાવનાને જૈન સમાજે ચરિતાર્થ કરી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જૈન સમાજના શિક્ષણ, આરોગ્ય સહિતના સેવા કાર્યોને બિરદાવતા કહ્યું કે, જૈન સમાજમાંથી એકતા અને સેવાકીય પ્રવૃત્તિઓના પાઠ શીખવા જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત હોદ્દેદારો દેશ અને રાજ્યના વિકાસ તથા સમાજ ઘડતરમાં જરૂરી યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં JITO-અમદાવાદના ઓફીસ, યુવા અને મહિલા પાંખના વિવિધ પદો પર નવનિર્વાચિત સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. આજના સમારોહમાં મુખ્યમંત્રીશ્રી હસ્તે 'સંપર્ક સેતુ' નામની પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતુ. આજના કાર્યક્રમમાં અમદાવાદ શહેર મેયર શ્રીમતી પ્રતિભા જૈન તથા આમંત્રિત મહાનુભાવો અને JITOના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.