અમદાવાદ, ગાંધીનગર તથા ગિફ્ટ સિટી હવે મેટ્રોથી જોડાતાં રાજ્યના વિકાસને વધુ વેગ મળશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- Posted on September 17, 2024
- National
- By Admin
- 98 Views
સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યા પછી પહેલી વાર ગુજરાતના ત્રિ-દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ. ૮૦૦૦ કરોડથી વધારેનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સમારંભ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
જનસભાને સંબોધતા પહેલાં વડાપ્રધાનશ્રી લોકોની વચ્ચેથી પસાર થતાં જનમેદનીમાં હર્ષોલ્લાસ છવાયો હતો. વડાપ્રધાનશ્રીએ હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સમારંભમાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, આજે દેશમાં ચારે તરફ ઉત્સવની ધૂમ છે. ઉત્સવના આ દિવસોમાં ભારતમાં વિકાસનું પર્વ પણ નિરંતર ઊજવાઈ રહ્યું છે. આજે ગુજરાતમાં રૂ. ૮૦૦૦ કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું છે, જેમાં રોડ, રેલ, મેટ્રો જેવા અનેક પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાનશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે ગુજરાતના હજારો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. આ પરિવારો નવરાત્રિ, દશેરા, ધનતેરસ, દિવાળી સહિતના બધા તહેવાર એટલા જ ઉમંગ અને ઉલ્લાસથી પોતાના નવા ઘરમાં ઊજવશે, એનો આનંદ છે.
ગુજરાતમાં આવેલી અતિવૃષ્ટિની વાત કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, ઉત્સવના આ માહોલમાં પીડા પણ છે, કેમ કે ગુજરાતના અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ જોવા મળી છે. ગુજરાતમાં એક-બે જગ્યાએ નહીં પણ ગુજરાતના દરેક ખૂણામાં વરસાદ પડ્યો છે અને અનેકગણો વધારે વરસાદ પડ્યો છે. લોકોએ અનેક સ્વજનો ગુમાવ્યા છે અને જાન- માલનું પણ નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હર હંમેશની જેમ તમામ પ્રકારની મદદ આપી રહી છે.
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, ત્રીજીવાર વડાપ્રધાનના શપથ લીધા બાદ પ્રથમવાર ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે જીવનની દરેક શીખ મને આપી છે અને ગુજરાતનાં દરેક નાગરિકોએ હંમેશાં મારા પર પ્રેમ વરસાવ્યો છે. ગુજરાતમાં આવીને હર હંમેશની જેમ નવી ઊર્જા મળી છે, અને મારા જોમ તથા જુસ્સો પણ વધ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ૬૦ વર્ષ પછી દેશની જનતાએ નવો ઇતિહાસ રચ્યો છે. આ સરકારને સતત ત્રીજીવાર દેશની સેવા કરવાનો અવસર આપ્યો છે. આ સરકારે દેશવાસીઓને ગેરંટી આપી હતી કે, ત્રીજી ટર્મના ૧૦૦ દિવસમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવ્યા છે. છેલ્લા ૧૦૦ દિવસમાં કેન્દ્ર સરકારે રાત-દિવસ જોયા વગર દેશના નાગરિકોની સેવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. છેલ્લા ૧૦૦ દિવસમાં રૂ. ૧૫ લાખ કરોડથી વધુની યોજનાઓ પર કામ શરૂ થયું છે.