સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે યોજાયેલ બે દિવસીય ગરબા મહોત્સવ સફળતા પૂર્વક સંપન્ન
- Posted on October 08, 2024
- Gujarat
- By Admin
- 72 Views
વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પણ ગુજરાતનો ગ્લોબલ ગરબો શુભ નવરાત્રિ શક્તિ પર્વ-૨૦૨૪ની ઉજવણી પ્રથમવાર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તેમજ ગુજરાત સરકાર દ્વારા ૫ અને ૬ ઓક્ટોબરના રોજ સરદાર સરોવર ડેમ પાસે વ્યુ પોઇન્ટ-૧ ખાતે મા નવદુર્ગા આરાધના પર્વ એવા નવરાત્રી શકિત પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ થયા બાદ પ્રથમ વાર ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે તા. ૬ ઠ્ઠી ઓક્ટોબરના રોજ નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહભાઇ તડવી ગરબા કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહી જગતજનની માં અંબાની છબી સમક્ષ માંડવડીમાં આરતી ઉતારી હતી, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, યુવાનો, મહિલાઓ સહપરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીમાં જોડાયા હતાં અને સમાપન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકતા ગરબામાં જોડાયા હતાં. ધારાસભ્યશ્રી દર્શનાબેન પણ મન મૂકીને ગરબે ઘુમ્યા હતાં. રાષ્ટ્રીય એકતા માટે એકતા ગરબાની થીમ પર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌને માટે નિશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ચુનંદા કલાકારો-ગાયકો, લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ, મંડપ, માંડવડી તેમજ વિશાળ ચોકમાં સૌ ખેલૈયાઓ અને યુવાનો, મહિલાઓ, બાળકો, એસઓયુના કર્મચારીઓ તથા આસપાસ વિસ્તારના લોકો પણ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા યોજાયેલ બે દિવસીય ગરબા મહોત્સવ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો. નર્મદા જિલ્લામાં ઠેર-ઠેર ગરબાઓ નવ દિવસ સુધી ચાલશે, રાજપીપળામાં હરસિધ્ધિ માતાના મંદિરમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને ગરબે ઘુમે છે.