રાજ્યપાલશ્રીએ યુવાનોને રાષ્ટ્રના વિકાસ માટે શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરિત કર્યાં

  • Posted on May 10, 2022
  • By Admin
  • 128 Views

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી “અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ: શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ” કાર્યક્રમ અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પાંચ પ્રકલ્પના માધ્યમથી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વધુ ને વધુ યુવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રના વિકાસ માટે શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરિત કરીએ.

રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે, દેશની આઝાદીના 75 વર્ષ પ્રસંગે દેશભરમાં ઉજવાઈ રહેલાં “આઝાદી કા અમૃત મહોત્સવ” માં રાજભવનની સક્રિયતા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજભવન દ્વારા રાજ્યમાં શિક્ષણ વિભાગના સહયોગથી ગત 5મી સપ્ટેમ્બર, 2021ના રોજ “અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ : શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ” યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્યભરની યુનિવર્સિટીઓ અને કૉલેજો દ્વારા દસ ગામ દત્તક લઈ નુક્કડ-નાટક, ચર્ચા સભા, રેલી, પ્રભારફેરી, નિબંધ સ્પર્ધા, રમત-ગમત સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓ દ્વારા પાંચ વિષયો સંદર્ભે જનજાગૃતિ અભિયાન માટે યુવાઓને પ્રેરિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પાંચ પ્રકલ્પોમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન-કવનથી ગામજનોને માહિતગાર કરી રાષ્ટ્ર ભાવના સુદૃઢ કરવા ઉપરાંત કોરોના સંક્રમણની અટકાયત અને સો ટકા રસીકરણ, પર્યાવરણ-સ્વચ્છતા, જળ સંરક્ષણ અને જળ સંચય પ્રત્યે લોકોને જાગૃત કરવા, પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન નશાબંધી અને દહેજ-સ્ત્રી ભ્રુણ હત્યા જેવી કુરીતિઓના નિવારણ માટે લોકોને સમજ આપવી તેમજ ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ દ્વારા લોકોને સ્વાસ્થ્ય રક્ષા પ્રત્યે જાગૃત કરવાના કાર્યક્રમો થઈ રહ્યા છે.

રાજ્યપાલશ્રીએ પાંચ પ્રકલ્પની આ યોજનાને યુવાપેઢીમાં અને ગ્રામજનોમાં નવજાગરણનો ભાવ પેદા કરવાના પ્રયાસરૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, સ્વતંત્રતા સેનાનીઓ અને ક્રાંતિકારીઓએ પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી સ્વતંત્ર ભારતના નિર્માણમાં જે યોગદાન આપ્યુ હતું તેની જાણકારી ભાવી પેઢીને આપીને તેમનામાં રાષ્ટ્ર પ્રત્યેના કૃતજ્ઞતાભાવને મજબૂત કરી શકાશે. તેમણે કોરોના રસીકરણ, પર્યાવરણ રક્ષા, સ્વચ્છતા, જળ સંરક્ષણ – જળ સંચય, પ્રાકૃતિક કૃષિ, નશાબંધી અને કુરીતિઓથી મુક્તિ અને ફીટ ઇન્ડિયા જેવા પ્રકલ્પોને રાષ્ટ્ર વિકાસ માટે યુવાનોને પ્રેરિત કરવાના માધ્યમ ગણાવ્યા હતા.

તેમણે જણાવ્યુ હતું કે, માત્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પૂરતું નહીં પરંતુ પાંચ પ્રકલ્પો પ્રત્યે જનજાગૃતિનું આ અભિયાન નિરંતર ચાલવું જોઇએ જેથી રાષ્ટ્રના વિકાસ માટે વધુ ને વધુ યુવાનો અને ગ્રામજનો પ્રેરિત થાય.

રાજ્યપાલશ્રીએ યુવાનોને ભારતનું ભવિષ્ય ગણાવી ઉમેર્યું હતું કે, આ યોજનાથી યુવા વિદ્યાર્થીઓને નવી પ્રેરણા મળી છે, આ અભિયાન પૂરા સમર્પણભાવથી જન-જનની જાગૃતિ માટે વેગવંતુ બને તે આવશ્યક છે. રાજ્યપાલશ્રીએ અધ્યાપકોને “રાષ્ટ્ર નિર્માતા” ગણાવી ઉમેર્યુ હતું કે, અધ્યાપકો યુવા વિદ્યાર્થીઓને આ પાંચ પ્રકલ્પો પ્રત્યે વધુ ને વધુ પ્રવૃત્ત થવાની પ્રરણા આપે, જેથી સંસ્કારીત, ચરિત્રવાન અને રાષ્ટ્રપ્રતિ સમર્પિત યુવાઓ દ્વારા દેશના વિકાસને નવું બળ મળશે. રાજ્યપાલશ્રીએ પાઠ્યક્રમોમા શિક્ષણ સાથે મહાન વ્યક્તિઓના વક્તવ્યોનુ કોલેજમાં આયોજન કરી યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવા ઉપસ્થિત કુલપતિશ્રીઓને અનુરોધ પણ કર્યો હતો. 

Author
Admin
Admin

someone who likes to write and teach

You May Also Like