મંત્રીશ્રી નરેશભાઇ પટેલએ કપરાડાની અસ્‍ટોલ જૂથ પાણી પુરવઠા યોજના, સુજલામ સુફલામ યોજના અને નલ સે જલ યોજનાની સમીક્ષા કરી

  • Posted on May 08, 2022
  • By Admin
  • 191 Views

રાજયના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તેમજ વલસાડ જિલ્‍લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લામાં આગામી ચોમાસુ પહેલા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્‍તારના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે કપરાડા તાલુકાની અસ્‍ટોલ જૂથ પાણી પુરવઠા યોજના, સુજલામ સુફલામ યોજના અને નલ સે જલ યોજના અંતર્ગત જિલ્લામાં સંબધિત વિભાગ દ્વારા કરાયેલા આયોજન અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા બેઠક કલેકટર કચેરી વલસાડના સભાખંડમાં આજરોજ યોજાઇ હતી.

          બેઠકમાં મંત્રીશ્રીએ કપરાડા તાલુકાના અસ્‍ટોલ ખાતે દમણગંગા નદી પર રૂા. ૫૮૬ કરોડના ખર્ચે તૈયાર થનારી અસ્‍ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ સમીક્ષા કરતાં જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની વલસાડ જિલ્‍લાના ધરમપુર અને કપરાડાના ૧૭૪ ગામો અને ૧૦૨૮ ફળિયા માટે શુધ્‍ધ પીવાનું પાણી પૂરૂ પાડનારી મહત્‍વાકાંક્ષી યોજનાનું વર્ષ ૨૦૧૮ માં તેઓએ ભૂમિપૂજન કરેલું તે યોજના હવે આગામી ચોમાસા પહેલા પૂર્ણ કરવા અને કામોમાં ગુણવત્તા જળવાય તે જોવા માટે પાણી પુરવઠા વિભાગ અને વાસ્‍મોના સંબધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ યોજનામાં પાણી પુરવઠા વિભાગે મંત્રીશ્રીને પ્રેઝટેશન દ્વારા આ યોજના હેઠળના ૧૭૪ ગામો અને ૧૦૨૮ ફળિયા પૈકી અત્‍યાર સુધી ૧૫૧ ગામો અને ૯૬૧ ફળિયાઓમાં પાણી પુરવઠો શરૂ કરી દેવામાં આવ્‍યો છે તેમ જણાવ્‍યું હતું. જયારે  વાસ્‍મોએ ધરમપુર અને કપરાડાના ૧૭૪ ગામો ૧૨૦૨ ફળિયા પૈકી ૯૧૫ ફળિયામાં પાણીના વિતરણની લાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જયારે ૨૮૭ ગામોમાં કામગીરી પ્રગતિમાં છે તેમજ ૫૫૮ ફળિયામાં અસ્‍ટોલ જૂથ યોજના સાથે જોડાણ કરીને નલ સે જળ યોજના અંતર્ગત દરેક ઘરોમાં પાણી પૂરૂ પાડવામાં આવ્‍યું છે.

          સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ વલસાડ જિલ્લામાં નર્મદા અને જળસંપત્તિ વિભાગ હેઠળના કામો, મનરેગાના કામોના આયોજન અને થયેલ કામગીરીની પ્રગતિની બેઠકમાં હાજર રહેલા પાણી પુરવઠા અને જળસંપત્તિ રાજય મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ પ્રભારી મંત્રીશ્રીને જાણકારી આપી હતી. રાજયમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત લોકભાગીદારી, મનરેગા અને વિભાગ દ્વારા તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્‍ટીંગ, જળાશય ડિસીલ્‍ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નહેરોની સાફસફાઇ, રેઇન વોટર હાર્વેસ્‍ટીંગની કામગીરી, નદીની સફાઇ કામની પ્રગતિની માહિતી મેળવી હતી. જે મુજબ લોકભાગીદારીથી જિલ્‍લામાં રૂા. ૭૪૫.૫૫ લાખના ખર્ચે કુલ ૮૬ કામો, મનરેગા હેઠળ રૂા. ૨૯૫.૭૦ લાખના ખર્ચે ૨૪૬ કામો તેમજ નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા ૮૦૦.૨૬ લાખના ખર્ચે ૧૩૮ કામો, વન વિભાગ દ્વારા ૧૭.૩૮ લાખના ખર્ચે ૨૦ કામો અને જિલ્લાની નગરપાલિકાઓ હસ્‍તકના રૂા. ૨૯.૩૯ લાખના ખર્ચે ૨૦ કામો મળી કુલ રૂા. ૧૮૨૮ લાખના ખર્ચે ૫૧૦ કામો જિલ્લામાં શરૂ કરાયા છે તેમ જણાવ્‍યું હતું.                                                          

Author
Admin
Admin

someone who likes to write and teach

You May Also Like