ઊર્જા બચત અંગેની ઉચ્ચ અધિકારીશ્રીઓની બેઠકમાં રાજ્યપાલશ્રીએ આપ્યું માર્ગદર્શન : ઉર્જાની બચત લોકોની આદત અને સ્વભાવ બને
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ઊર્જા બચતની પહેલ કરતા જણાવ્યુ
છે કે, ઉર્જાની બચત લોકોની આદત
અને સ્વભાવ અને તે દિશામાં કાર્ય કરવાની આવશ્યકતા છે. ઊર્જા બચત પ્રત્યે લોકજાગૃતિ
કેળવવા ઊર્જા વિભાગના અગ્ર સચિવશ્રીના વડપણ હેઠળ એક કમીટીની રચના કરવામાં આવી છે.
જે કમીટી રાજ્યભરમાં ઊર્જા બચાવવાનું મંથન કરી સંબંધિત કાર્યાલયો-વિભાગોને નિર્દેશ
આપશે અને લોકજાગૃતિ કેળવવા માર્ગદર્શન આપશે.
રાજ્યપાલશ્રીએ ઉર્જાની બચતને ઉર્જાના ઉત્પાદન સમાન ગણાવી જણાવ્યુ હતુ
કે, ઉર્જાના ઉત્પાદનમાં
કુદરતી સંપત્તિ એવા કોલસાનો વપરાશ થાય છે. થર્મલ પાવર સ્ટેશન દ્વારા ઉર્જાના
ઉત્પાદનને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે, ત્યારે કુદરતી
સંપત્તિની જાળવણી અને પર્યાવરણની રક્ષા માટે ઉર્જાની બચત કરવી આવશ્યક છે.
રાજ્યપાલશ્રીએ ઊર્જા બચત સંદર્ભે પોતાના સ્વાનુભાવને વર્ણવતા જણાવ્યુ હતુ કે,
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજભવનમાં ઊર્જા બચતની જાગૃતિ અંગે
પ્રેરણા પૂરી પાડી વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવવામાં આવ્યો છે.
રાજ્યપાલશ્રીએ આ બેઠકમાં માર્ગદર્શક સૂચન કરતા જણાવ્યુ હતુ કે, સરકારી કચેરીઓમાં કચેરી
શરૂ થાય કે તરત જ લાઈટની સ્વીચ ઓન થાય છે અને કચેરી બંધ થાય થાય ત્યારે સ્વીચ ઓફ
થાય છે. આ સ્થિતિને બદલીને જ્યારે જરૂર હોય ત્યારે જ લાઈટનો ઉપયોગ થાય અને જરૂર ન
હોય ત્યારે લાઈટ-પંખા કે એરકંડીશનર બંધ કરવાની આદત અધિકારી-કર્મચારીઓમાં વિકસે તે
માટેની સમજ કેળવવી જરૂરી છે. આ સંદર્ભે બેઠકમાં નક્કી થયા મુજબ એક પરિપત્ર દ્વારા
સરકારી કચેરીઓમાં વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જણાવવામાં આવશે. આ જ રીતે પૂનમના
દિવસે ચંદ્રના પ્રકાશનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે રીતે મોડી રાત્રે સ્ટ્રીટ લાઈટનો
ઉપયોગ સમિતિ કરવામાં આવે તો મોટી માત્રામાં વીજળીની બચત થઈ શકશે, તેમ પણ રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતુ.
રાજ્યપાલશ્રીએ ઊર્જા બચતના સંસ્કારને લોકો અપનાવે તે માટે જનજાગૃતિ અભિયાન દ્વારા લોકોને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો આ માટે ઊર્જા બચત અંગે રાજ્યભરમાં પરિસંવાદો યોજી લોકોને જાગૃત કરવા તેમજ શાળા-કૉલેજો અને યુનિવર્સિટી કક્ષાએ વિદ્યાર્થિઓમાં જાગૃતિ કેળવી ઊર્જા બચત માટે તેમને પ્રેરિત કરવા સુચવ્યુ હતું. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. સ્ટ્રીટ લાઈટમાં પરંપરાગત લાઇટના બદલે એલઇડીના વપરાશથી વીજબીલમાં મોટી બચત થઈ શકી છે. સૂર્ય ઊર્જા જેવા હરિત ઊર્જા સ્ત્રોતના ઉપયોગ, એનર્જી એફિશિયન્ટ ઇમારતોનું નિર્માણ, એનર્જી એફિશિયન્ટ વીજ ઉપકરણોનો ઉપયોગ કરવો, ફ્રિઝ, એરકંડીશનર, જેવા ઉપકરણોનો નિશ્ચિત તાપમાને ઉપયોગ કરવાથી વીજ વપરાશમાં ઘટાડો થઇ શકે છે, આ સંદર્ભે લોકોને જાગૃતિ કરવાના પ્રયાસો હાથ ધરવા બેઠકમાં નક્કી કરાયું હતું.
આ બેઠકમાં ઊર્જા વિભાગના અગ્ર સચિવશ્રી મમતા વર્મા, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, ગુજરાત શહેરી વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી રાજકુમાર બેનીવાલ, માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી એસ. બી. વસાવા, વિકાસ કમિશનર શ્રી સંદિપ કુમાર, ગુજરાત ઊર્જા વિકાસ નિગમના એમ. ડી. શ્રી જયપ્રકાશ શિવહરે, નેશનલ હાઈ-વે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના જનરલ મેનેજર શ્રી સુજિત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.